Breaking News

ધરતીના ગર્ભથી બીજો જન્મ, 60 ફુટ ઊંડા બોરવેલમાંથી 49 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો નદીમ, વાંચો આખી ઘટના

  • dikrimariladakvayi
  • March 25, 2019
  • Comments Off on ધરતીના ગર્ભથી બીજો જન્મ, 60 ફુટ ઊંડા બોરવેલમાંથી 49 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો નદીમ, વાંચો આખી ઘટના

હોલિકા દહનના દિવસે બુધવારે સાંજે સાડા ચાર વાગે હિસારના ગામ બાલસમંદમાં 60 ફુટ ઊંડા બોરવેલમાં પડેલા 18 મહિનાના નદીમને 49 કલાકની મહેનત બાદ સકુશળ બહાર કાઢી લેવામાં આવ્યો. શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે આર્મી અને NDRFની ટીમે બાળકને બહાર કાઢીને તરત જ એમ્બ્યુલન્સથી સારવાર માટે અગ્રોહા મેડિકલ કોલેજ મોકલી આપ્યો. હકીકતે ઘટના એવી ઘટી હતી કે બુધવારની સાંજે નદીમ રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. ત્યારે તેની સાથે રમતા તેના ભાઈ-બહેનોએ બૂમાબૂમ કરીને લોકોએ તેના બોરવેલમાં પડી જવાની જાણ કરી હતી. નદીમના પડી જવાના અડધા કલાકમાં જ એમ્બ્યુલન્સ અને પ્રશાસન ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તરત જ તેઓએ નદીમને બચાવવાનું કામ શરુ કરી દીધું.નદીમને બચાવવાના આ કાર્યમાં NDRFની ટીમ, પોલીસ, આર્મી અને પ્રશાસને, ગામના લોકો સાથે મળીને કામ કર્યું હતું, જેમાં 7 જેસીબી, 15 ટ્રેકટર, 1 ફાયરબ્રિગેડ, 2 જનરેટર, અને બીજા ઘણા ઉપકરણોનો ઉપયોગ લેવામાં આવ્યો હતો.

49 કલાક ચાલેલા આ બચાવ કાર્ય દરમ્યાન પ્રશાસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બોરવેલની નજીક 20 ફુટ દૂરથી ખાડો ખોદવાનો શરુ કર્યો હતો. લગભગ 48 ફુટ ખોડયા બાદ ગુરુવારે માટી ધસી ગઈ, જે પછી હાથેથી ખોદવાનું કામ પણ કરવામાં આવ્યું હતું. લગભગ 300 યુવાનો માટીને બહાર કાઢવા માટે આખી રાત કામ કરતા રહયા હતા. દરમ્યાન વચ્ચે વચ્ચે ત્રણવાર એવું પણ લાગ્યું હતું કે નદીમ હવે બહાર આવી જશે ત્યારે જ તેના આવવાની આશા આછી થઇ જતી હતી.શુક્રવારે સવારે 9 વાગે લગભગ 54 ફુટ સુધી ખોદાઈ ચૂક્યું હતું ત્યારપછી બોરવેલ તરફ એક સુરંગ ખોદવામાં આવી હતી જે 26 ફુટ સુધી ખોદી એ પછી ખબર પડી કે ખોદકામ ખોટી દિશામાં થઇ ગયું છે. ખરેખર, જે જીપીએસ સિસ્ટમનો સહારો લીધો હતો એ 20 મીટર સુધીની લોકેશન આપે છે, જેને કારણે ખોદકામ ખોટી દિશામાં જતું રહ્યું.એ પછી નદીમની એક્ઝેક્ટ લોકેશન મેળવવા માટે એચડીડી ટ્રેકર મશીન મંગાવવામાં આવી, જેને સાચી દિશા બતાવી. એ પછી પણ ટિમ જયારે ખોદકામ કરતા નદીમની નજીક પહોંચી તો ભીની માટીને કારણે ખોદકામ હાથથી કરવું પડ્યું, જેમાં સમય લાગ્યો. આખરે શુક્રવારે 5 વાગીને 20 મિનિટે નદીમને બહાર કાઢી શકાયો. આ બચાવકાર્ય સફળ રીતે પાર પડ્યું.દરમ્યાન જયારે નદીમ બોરવેલમાં હતો ત્યારે તેને ખાવા માટે બિસ્કિટ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી તેને થોડા બિસ્કિટ ખાધા, પણ પછી જયારે તેને દૂધ મોકલવામાં આવ્યું ત્યારે તેને ન પીધું. આ પછી તેને ફરી એકવાર જ્યુસ મોકલવામાં આવ્યો હતો જે તે પી ગયો હતો. એ પછી તેને ખાવા માટે વારંવાર સામગ્રી મોકલવા જતા માટી ધસવાનો ભય હોવાને કારણે શુક્રવારે તેને વધારે વાર ભોજન આપવાનો જોખમ ન ઉઠાવતા એક જ વાર આપવામાં આવ્યું હતું.તેને બહાર કાઢીને તરત જ અગ્રોહા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો, જ્યા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેની સાથે તેના માતા-પિતાને પણ મોકલવામા આવ્યા હતા. ગામના લોકોએ આર્મી અને ત્યાં બચાવકાર્યમાં રોકાયેલા લોકોનું અભિવાદન કરીને વધાવી લીધા હતા. ગામના લોકોએ નદીમના પરિવારને સાથ આપવા માટે હોળી પણ મનાવી ન હતી.ત્યારે જયારે આખરે નદીમ બહાર આવ્યો એ પછી બધા જ ખુશીથી જુમી ઉઠ્યાં હતા અને નદીમના દાદી થાળી અને ચમચી લઈને વગાડીને આખા ગામમાં કહેતા હતા કે તેમના નદીમનો ધરતીના ગર્ભમાંથી બીજો જન્મ થયો છે.

Author: dikrimariladakvayi.in

error: Content is protected !!